લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલી ટિપ્પણીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મુશ્કેલીમાં મૂકાય ગયા છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર હનનની નોટિસ આપી છે. ત્યાર બાદ લોકસભા સચિવાલય દ્વારા રાહુલ ગાંધી પાસેથી 15 ફેબ્રુઆરી સુધીમાં જવાબ માગવામાં આવ્યો છે. ભાજપના સાંસદે એવો દાવો કર્યો છે કે જો રાહુલ ગાંધી જવાબ નહીં આપે કે માફી નહી માગે તો તેણે લોકસભા બેઠક પરથી હાથ ધોવાનો વારો આવશે. ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ વિશેષાધિકાર હનનની નોટિસ આપી હતી. નિશિકાંત દુબેએ કહ્યું હતું કે સ્પીકરને નોટિસ આપ્યા વગર કોઈ વડાપ્રધાન પર આ રીતે આરોપ ન લગાવી શકાય. નોટિસમાં અમે 15 ફેબ્રુઆરી સુધી રાહુલ ગાંધીને પુરાવા રજૂ કરવાનું કહ્યું છે. જો આવું ન કરી શકે તો તેણે માફી માગવી પડશે. જો માફી નહીં માગે તો તેણે લોકસભાની બેઠક ગુમાવવી પડશે.
નિયમ શું કહે છે?
કોઈ સભ્યને ગૃહમાંથી કાઢવાનો કે સસ્પેન્ડ કરવાનો નિર્ણય સ્પિકર પાસે હોય છે. જો કોઈ સ્પિકરનો આદેશ ન માને તો તેને સસ્પેન્ડ કરવામાં આવે છે. લોકસભા પ્રક્રિયા અને સંચાલન નિયમ 373, 374, અને 374 A અંતર્ગતકોઈ સભ્ય ગૃહના નિયમોનો અનાદર કરે તો તો તેને પાંચ બેઠક કે સમગ્ર સત્રમાં સસ્પેન્ડ કરવામાં આવે છે. વળી રાજ્ય સભાના નિયમ 255 અને 256 અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. આજે અદાણી મુદ્દે સંસદમાં હંગામો થયો હતો. જેથી રાજ્યસભાની કાર્યવાહી 13 માર્ચ સુધી સ્થિગિત કરી દેવાઈ છે. બજેટ સત્રનો બીજો ભાગ 13 માર્ચે શરૂ થશે. રાજ્યસભાના સ્પિકર જગદીપ ધનખડેએ કહ્યું હતું કે જાણી જોઈને કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીને લોકસભા સચિવાલયની નોટિસ પર કહ્યું કે રાહુલ ગાંધીએ સંસદમાં જે પણ કહ્યું તે પહેલાથી જ સાર્વજનિક ડોમેનમાં છે, જે દરેક બોલે છે અને લખે છે. તેણે પણ એવું જ કહ્યું છે. આમાં અસંસદીય કંઈ નથી. તેથી તે તે મુજબ નોટિસનો જવાબ આપશે.