કેન્દ્ર સરકારે બજેટ રજુ કરતાં પહેલા સોનાની ખરીદી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં એક લાખથી વધુનુ સોનુ ખરીદવા માટે પાન કાર્ડ ફરજીયાત કરાયું છે જેને લઈને રાજયના વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. હાલમાં રાજયભરમાં લગ્નની ધુમ સિઝન ચાલી રહી છે. ત્યારે નવા નિયમને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં સોનાનો ભાવ 44 હજાર નજીક પહોચી રહ્યો છે છતાંય બજારમાં સોનાની ધુમ ખરીદી નીકળી છે. આ પહેલા જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ તરફથી સોના પર લદાયેલી ઈમ્પોર્ટ ડયુટી ૧૨.૫૦ ટકાથી ઘટાડી ૪ ટકા કરવાની માંગણી હતી. જો કે બજેટ પહેલા જ કેન્દ્ર સરકારે રૂ.૧ લાખથી વધુનું સોનું ખરીદવા માટે પાનકાર્ડ ફરજીયાત કરવાનો નિર્ણય કરાયો છે. નિર્ણયને પગલે અનેક શહેરોના જવેલર્સમાં ભારે અસંતોષની લાગણી ફેલાઈ છે. મની લોન્ડરીંગ એકટ હેઠળ દોઢ વર્ષ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી રૂ.૨ લાખથી વધુની કિંમતનું સોનું રોકડમાં ખરીદી શકાય નહી અને ખરીદવા માટે પાનકાર્ડ ફરજીયાત રજુ કરવાનો નિર્ણય લેવાયો હતો. બીજી તરફ શનિવારે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી આ લિમિટ દ્યટાડીને રૂ.૧ લાખ કરી દેવાઈ છે.