સુરતના ચૌટા બજારમાં સાડી તથા ડ્રેસ મટીરીયલ્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી તસ્કરો દુકાનમાંથી 15.16 લાખની રોકડ તેમજ કેમેરાનું ડીવીઆર ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં જોધપુરની કુખ્યાત 007 ગેંગની સંડોવણી બહાર આવી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ ઘટનામાં દુકાનના કર્મચારી સહીત 4 ઈસમોની ધરપકડ કરી છે.
સુરતના ચૌટાબજારમાં મહાવીર ફેર પ્રાઈસ ક્લોથ શોપ નામની સાડી તથા ડ્રેસ મટીરીયલસની દુકાન આવેલી છે. આ દુકાનમાં ગત 18 જાન્યુઆરીના રોજ ચોરીની ઘટના બની હતી. અજાણ્યા તસ્કરો દુકાનની લોખંડની જારી સાથે દોરડું બાંધી ધાબા ઉપર ચડી ધાબા ઉપર લોખંડની જારીનું તથા લાકડાના દરવાજાનું લોક તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી 15.16 લાખની રોકડ તેમજ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે દુકાન માલિક પ્રકાશભાઈ મેરતવાલે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનાની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી. આ ગુનામાં તપાસ કરી રહેલી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે જોધપુરની કુખ્યાત 007 ગેંગ આ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી છે અને આ ગેંગના મુખ્ય સાગરિત ગુલાબસિંગ અને તેનો ભાઈ પ્રયાગસિંગ છે. આ ગેંગ હથીયારો સાથે ઘરફોડ, વાહનચોરી, આમર્સ એક્ટ વગેરે ગુનાઓ આચરવાની ટેવ વાળા છે. માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની એક ટીમ રાજસ્થાન ગઈ હતી અને ત્યાંથી પ્રયાગ સિહ દેવીસીહ જોધાને પકડી લાવી તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દુકાનમાં ચોરી કરવા પહેલા ગુલાબસિંગ જોધા અને મોહિતકુમાર શ્રીકિશનએ સરથાણા વિસ્તારમાંથી એક બાઈકની ચોરી કરી હતી અને આ બાઈક પર ચૌટાબજારમાં રેકી કરી હતી અને બાદમાં ત્યાં ચા વેચવાનો ધંધો કરતા એક ઈસમને રૂપિયાની લાલચ આપી દુકાનમાં રહેતી રકમ અંગે માહિતી એકત્ર કરી હતી અને બાદમાં ૦૦7 ગેંગના સાગરીતો પૈકી આરોપી દલ્લારામ ઉર્ફે દલપત પટેલ તેમજ મોહિતકુમાર શ્રીકિશનએ આ દુકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો.
આ ઘટનામાં પોલીસે પ્રવીણપૂરી અમરપૂરી ગૌસ્વામી [ઉ.27], અનુપસિહ રણછોડ સિહ રાજપૂત [ઉ.33], શ્રવણ અનારામ બનજારા [ઉ.20] અને પ્રયાગસિંગ દેવીસિંગ જોધા [ઉ.23]ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં આ ગુનામાં ઝડપાયેલા આરોપી પૈકી આરોપી પ્રવીણપૂરી અમરપૂરી ગૌસ્વામી દુકાનમાં સેલ્સમેં તરીકે નોકરી કરે છે અને અનુપસિહ રાજપૂત ચાની હોટેલ ચલાવતો હોય તેણે રૂપિયાની લાલચે ૦૦7 ગેંગના સાગરીતોને તમામ માહિતી પૂરી પાડી હતી. જે આધારે આરોપીઓએ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 39,500, 22,500 ની કિમતના 5 મોબાઈલ તેમજ એક બાઈક કબજે કરી હતી અને પોલીસ તપાસમાં અઠવા પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરી અને સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
ઝડપાયેલો આરોપી પ્રયાગસિહ જોધા રીઢો ગુનેગાર છે અને ભૂતકાળમાં રાજસ્થાનમાં તેની સામે આર્મ્સ એક્ટના 4 ગુના પણ નોંધાયેલા છે. જયારે પ્રવીણ પૂરી ગૌસ્વામી વિરુદ્ધ સુરત રેલ્વેમાં પ્રોહીબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધાયો હતો.