ગુજરાત વિધાનસભા ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના માટે “સંસદીય કાર્યશાળા” યોજાશે

બે દિવસીય સંસદીય કાર્યશાળાનું લોકસભાના અધ્યક્ષ બિરલાના હસ્તે થશે ઉદ્ઘાટન : સીએમ ભૂપેન્‍દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો રહેશે ઉપસ્થિત

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજાશે સમાપન સમારોહ

બે દિવસ યોજાનાર સંસદીય કાર્યશાળામાં ૧૦થી વધુ વિષયો પર નિષ્ણાંતો અપાશે માર્ગદર્શન

ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલીના નિયમોથી માહિતગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા તા. ૧૪ અને ૧૫મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય “સંસદીય કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં તા. ૧૫ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧.૦૦ કલાકે લોકસભાના અધ્યક્ષશ્રી ઓમ બિરલાજીના હસ્તે સંસદીય કાર્યશાળાનું ઉદ્ઘાટન થશે. જ્યારે તા. ૧૬મી ફેબ્રુઆરીના રોજ સાંજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં સંસદીય કાર્યશાળાનું સમાપન થશે. આ સંસદીય કાર્યશાળામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના અતિથી વિશેષ પદે યોજાશે.

સંસદીય કાર્યશાળાના આયોજન ની વિગતો આપતા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, બે દિવસીય આ સંસદીય કાર્યશાળામાં ૧૦થી વધુ વિષયો પર વિવિધ સત્ર યોજાશે. જેમાં સંસદીય લોકશાહીમાં જન પ્રતિનિધિઓની ભૂમિકા, વિધાનસભાની કાર્યવાહી અંતર્ગત શું કરી શકાય અને શું ન કરી શકાય?, સ્ટ્રેસ મેનેજમેન્‍ટ, સુદ્રઢ લોકશાહી માટે બંધારણીય સંસ્થાઓની ભૂમિકા,સંસદીય વિશેષાધિકારો અને નીતિમત્તાના ધોરણે, G-20માં ભારતનું પ્રમુખ સ્થાન, સંસદીય પ્રશ્નો અને તાકીદની જાહેર અગત્યની બાબતો પર ચર્ચા ઉપસ્થિત કરવાની નિયમ હેઠળની પદ્ધતિઓ, કારોબારી તંત્ર પર વિધાનસભાની સમિતિઓનો સંસદીય અંકુશ, વિધાનસભામાં નાણાકીય કામકાજ, વિધાનસભામાં કાયદો ઘડવાની પ્રક્રિયા જેવા વિવિધ વિષયોને આવરી લેવાશે. આ તમામ વિષયો પર સંસદના નિષ્ણાંતો, તજજ્ઞો તેમજ વિવિધ વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે. ગુજરાત વિધાનસભા ખાતે યોજાનાર આ બે દિવસીય સંસદીય કાર્યશાળામાં ચૂંટાયેલા તમામ પક્ષના ધારાસભ્યશ્રી ઓ, સંસદસભ્યોશ્રી, પૂર્વ અધ્યક્ષશ્રીઓ, પૂર્વ મુખ્યમંત્રી શ્રીઓ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રીઓ સહિત બુદ્ધિષ્ઠ નાગરિકો સહભાગી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *