દેશભરમાં કોરોનાના કેસ અને તેના પગલે ઉભી થયેલી સ્થિતિને પગલે હવે કોગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને કૉંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મેદાનમાં આવ્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પત્ર લખીને જણાવ્યુ છે કે દેશમાં કોરોનાના મ્યૂટેશન ને સતત ટ્રેક કરવો જોઈએ. તમામ મ્યૂટેશન પર વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ વેક્સીનને ટેસ્ટ કરવામાં આવે. દેશના તમામ લોકોને ઝડપથી વેક્સીન આપવાનો વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ. પત્રમાં એવો આરોપ મુકયો છે કે સરકારની ‘નિષ્ફળતા’ના કારણે દેશ ફરી એક વાર રાષ્ટ્રીય સ્તરના લૉકડાઉનના આરે આવીને ઊભો છે અને એવામાં ગરીબોને તાત્કાલિક આર્થિક મદદ મળવી જોઈએ. જેથી તેમને ગયા વર્ષની જેમ તકલીફોમાંથી પસાર થવું ના પડે.રાહુલ ગાંધીએ પત્રમાં કહ્યું કે, હું આપને ફરી એક વાર પત્ર લખવા માટે વિવશ થયો છું કારણ કે આપણો દેશ કોવિડ સુનામીના સકંજામાં આવી ગયો છે. આ પ્રકારના અનપેક્ષિત સંકટમાં ભારતના લોકો આપની સૌથી અગત્યની પ્રાથમિકતા હોવા જોઈએ. હું આપને આગ્રહ કરું છું કે આપ દેશના લોકોને આ પીડાથી બચાવવા માટે જે પણ સંભવ હોય, તે કરો.