રાજકોટ જામનગર હાઇવે આજે ત્રીજા દિવસે રક્તરંજીત બન્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ જામનગર હાઈવે ઉપર અકસ્માતના બનાવો બને રહ્યા છે. ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે આવેલી આશાપુરા હોટલ પાસે સાંજે ટ્રક પાછળ કાર ઘુસી જતા સાસુ-જમાઈ અને દોઢ વર્ષની બાળકી તેમ ત્રણના મોત થયા હતા. જ્યારે પરિવારના અન્ય બે સભ્યોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટમાં લગ્નપ્રસંગમાં હાજરી આપી પરત જતા પટેલ પરિવારની કાર બંધ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.
રાજકોટ જામનગર હાઇવે ઉપર ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે આવેલી આશાપુરા હોટલ પાસે ગઈકાલે સાંજે ટ્રક પાછળ જામનગર તરફ જતી જીજે 10 ડીજે 6818 નંબરની એક કાર ઘુસી જતા આ અકસ્માતમાં કારમાં બેઠેલા મહિલા સહિત ત્રણના ઘટના સ્થળેજ મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર જામનગરના મુક્તાબેન ગિરધરભાઈ રામોલિયા ઉ.વ.80 તથા તેમના જમાઈ નયન દેવરાજભાઈ મોડિયા ઉ.વ.51, તથા દોઢ વર્ષની બાળકીનું અકસ્માતમાં મોત થયું હતું.
કારમાં બેઠેલા અન્ય મહિલા સહિત બેને ઈજા થતા તેમના સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા છે. રાજકોટ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત જામનગર જતા પટેલ પરિવારની કારને નડેલા અકસ્માતમાં પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે પણ ધ્રોલ નજીક અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત થયા હતા. તેમજ ખંભાળિયા નજીક કાર હડફેટે બાઈક સવાર બે મિત્રોના મોત થયા હતા.આ સપ્તાહમાં અકસ્માતની આ ત્રીજી ઘટના છે. જેમાં મહિલા સહિત ત્રણના મોત થયા છે.