ભારતીય સ્ટેટ બેકે યોનો કૃષિ પ્લેટફોર્મમાં એક નવું ફીચર ઉમેર્યું છે. SBIએ આ ફીચરનું નામ કિસાન ક્રેડિટ કાર્ડ રિવ્યૂ (KCC Review) રાખ્યું છે. આ નવા ફીચર બાદ હવે ખેડૂતોએ બેંક શાખામાં જઈને ક્રેડિટ કાર્ડ લિમિટને રિવાઈઝ કરાવવાની જરૂર નહીં પડે. SBIના જણાવ્યા પ્રમાણે, KCC રિવ્યૂઓપ્શન માટે ખેડૂતો માત્ર 4 ક્લિકમાં અપ્લાય કરી શકે છે. તેમને કોઈપણ પેપરવર્ક વગર ઘરે બેઠા કિસાન ક્રેડિટ કાર્ડ લિમિટને રિવાઈઝ કરવાની સુવિધા મળશે. વર્તમાન સમયમાં લગભગ દરેક ખેડૂતની પાસે સ્માર્ટફોન છે અને તેને ધ્યાનમાં રાખતા બેંકે આ નવતર સુવિધા ઉભી કરી છે. યોનો કૃષિમાં KCC રિવ્યૂની સુવિધાથી લગભગ 75 લાખ ખેડૂતોને સીધો લાભ મળી શકશે. આ પેપરલેસ KCC રિવ્યૂ ફીચરથી ન માત્ર ખેડૂતોનો સમય બચશે સાથોસાથ KCC લિમિટને રિવાઈઝ કરવા માટે હેરાન પણ નહીં થવું પડે. પાકની લણણીના સમયે આ ઝડપી પ્રક્રિયા તેમને મદદ કરશે.