ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ સહિત તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. જે અંતર્ગત આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે ચૂંટણી જનસભાને સંબોધન કરીને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યાં હતા.
ઉનાકોટી જિલ્લાના ચાંદીપુરમાં જાહેર સભાને સંબોધન કરતાં અમિત શાહે જણાવ્યું કે, ત્રિપુરામાં હવે ભાજપના કામની અસર જોવા મળી રહી છે. આથી જ કોંગ્રેસ અને ડાબેરીઓ ડરી ગયા છે. ત્રિપુરાના વધારે વિકાસ માટે ભાજપને મત આપીને ડબલ એન્જિનની સરકાર બનાવો.
વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં ભાજપથી ડરીને લેફ્ટ અને કોંગ્રેસનું ગઠબંધન થઈ ગયું છે. આ સાથે જ લેફ્ટે સ્વીકારી લીધુ છે કે, અમે એકલાહાથે ભાજપ સામે નહીં લડી શકીએ. કોંગ્રેસની તો વાત જ શું કરવી, જે ડાબેરીઓએ સેંકડો કોંગ્રેસીઓને મોતને ઘાટ ઉતારી દીધા, આજે તેમની સાથે જ કોંગ્રેસ ઈલુ-ઈલુ કરી રહી છે.
ત્રિપુરામાં લાંબા સમય સુધી આદિવાસીઓને દગો આપનાર લેફ્ટ હવે લોકોને ઠગવા માટે એક આદિવાસી નેતાને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરી રહી છે. જ્યારે કોંગ્રેસે પણ ત્રિપુરાના લોકોનું કંઈ ભલુ નથી કર્યું. જો તમે કોંગ્રેસ, માકપા અને તિપરા મોથાની ટ્રિપલ મુસીબતથી ત્રિપુરાને બચાવવા માંગતા હોય, તો ડબલ એન્જિન વાળી ભાજપની સરકાર બનાવો.
પહેલા બિપ્લબ દેબ અને પછી માણિક શાહે ત્રિપુરામાં વિકાસને આગળ વધાર્યો છે. ત્રિપુરાના વિકાસ માટે ગરીબ મધ્યમ વર્ગ અને યુવાઓને જોડવાનું કામ માત્ર ભાજપે કર્યું છે. તમામ લોકોને સમાન અધિકારનો અવસર જો કોઈએ આપ્યો હોય, તો તે મોદી સરકાર છે.