ભૂકંપ બાદ તુર્કી અને સીરિયામાંથી હૃદયદ્રાવક તસવીરો સામે આવી રહી છે. અત્યાર સુધીમાં 26 હજારથી વધારે લોકોના મોત થયા છે. દરમિયાન ભૂકંપ બાદ ગુમ થયેલા એક ભારતીય નાગરિકનો મૃતદેહ મળ્યો છે.
તુર્કી સ્થિત ભારતીય દૂતાવાસે આપેલી માહિતી પ્રમાણે 6 ફેબ્રુઆરીના રોજ ભૂકંપ આવ્યો ત્યારબાદ ઉત્તરાખંડના વિજયકુમાર નામનો ભારતીય નાગરિક ગૂમ હતા. જેમને મૃતદેહ આજે મળ્યો છે. તૂર્કીના માલટયામાં આવેલી એક હોટેલના કાટમાળમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે તેઓ એક બિઝનેસ ટ્રિપ પર તુર્કી ગયા હતા.
મૃતદેહ ભારત લાવવાની તૈયારી
ભારતીય દૂતાવાસ તરફથી મળેલી માહિતી પ્રમાણે વિજયકુમારનો મૃતદેહ ભારત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દૂતાવાસે વિજયકુમારના પરિવાર તથા પ્રિયજનો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. દૂતાવાસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિજયકુમારનો પાર્થિવ દેહ જલ્દીથી તેમના પરિવાર સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને લીધે ભારે વિનાશ સર્જાયો છે. બન્ને દેશોમાં અત્યાર સુધીમાં 26 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. બચાવ કાર્યમાં જોડાયેલી ટીમોના મતે મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.
કારોબાર અર્થે તુર્કી ગયા હતા વિજયકુમાર
ભારતીય દૂતાવાસે કહ્યું કે અમે દુઃખ સાથે આ માહિતી આપી રહ્યા છીએ કે તુર્કીમાં 6 ફેબ્રુઆરીના રોજ ભૂકંપ બાદ ગૂમ થયેલા ભારતીય નાગરિક વિજયકુમારનો મૃતદેહ મળ્યો છે. તેઓ વ્યાપાર સંબંધિક કાર્ય માટે તુર્કી આવ્યા હતા. તેમનો મૃતદેહ માલ્ટામાં એક હોટલના કાટમાળ નીચેથી મળ્યો હતો.