કંગાળ પાકિસ્તાનની મુશ્કેલીમાં સતત વધી રહી છે. આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે શહબાજ શરીફ સરકાર નિષ્ફળ નિવડી છે અને મદદ માટે કોઈ જ આગળ આવી રહ્યું નથી. મોંઘવારીની માર એવી ગંભીર છે કે લોટ, દાળ, ચોખાથી લઈ દૂધ, ચિકન અને પેટ્રોલ-ડીઝલથી લઈ ગેસની ભારે અછત જોવા મળી રહી છે.
હવે દેશના લોકોએ ચા માટે પણ ફાફા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનમાં દૂધની કિંમત રૂપિયા 230 અને ચિકન રૂપિયા 1,100ને પાર થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ સરકારને સબસિડીનું સામ્રાજ્ય ખતમ કરવા આદેશ કર્યો છે. આ સંજોગોમાં હવે પાકિસ્તાનમાં ગમે તે ઘડીએ વીજળીની કિંમતમાં તોતિંગ ભાવ વધારો ઝીકવામાં આવી શકે છે.
પાકિસ્તાનમાં દૂધની કિંમત અસાધારણ લેવલે
પાકિસ્તાન સરકારે માર્ચ 2023થી નિકાસકર્તાને આપવામાં આવતી રૂપિયા 65 અબજની વીજળીની સબસિડીને ખતમ કરવાની મંજૂરી આપી છે. તેને લીધે પાકિસ્તાની ઉદ્યોગ પર ભારે દબાણ સર્જાશે. પાકિસ્તાનમાં દૂધની કિંમત રૂપિયા 210ને પાર થઈ ગઈ છે. દૂધ ઉપરાંત ચિકનની કિંમતોમાં ભારે વધારો થયેલો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં પાકિસ્તાનમાં ચિકનની કિંમત એ ઝાટકે રૂપિયા 30-40 વધી ગયા છે. ફેબ્રુઆરીની શરૂઆતી મહિનાની વાત કરવામાં આવે તો ચિકનનો દર પ્રતિ કિલો રૂપિયા 390-440 હતો. વર્તમાન સમયમાં આ કિંમત રૂપિયા 1,100 પાર છે.
ચા ની કિંમતોમાં જોરદાર વધારો
અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં ચાની કિંમત પ્રતિ કીલો રૂપિયા 1,600ના લેવલ પર પહોંચી ગઈ છે. કેટલાક દિવસ અગાઉ આ ભાવ રૂપિયા 1,100 વેચાતી હતી. સ્થાનિક દુકાનદારોના અહેવાલને ટાંકી કહેવામાં આવ્યું છે કે એક ખાસ બ્રાંડના 170 ગ્રામ દાણાવાળી અને ઈલાયચી પેકની કિંમત રૂપિયા 290થી વધીને રૂપિયા 320થી 350 સુધી છે. આ ઉપરાંત 900 તથા 420 ગ્રામ ચા પેકેટની કિંમત હવે રૂપિયા 1,350 તથા રૂપિયા 550ની સામે રૂપિયા 1,480 તથા રૂપિયા 720 પહોંચી ગઈ છે.
પોર્ટ પર કન્ટેનર અટકી પડેલા
દેશમાં લોટની ભારે અછત બાદ હવે ચાની કારમી અછત માટે પાકિસ્તાનનું ખતમ થઈ રહેલુ વિદેશી હૂંડિયામણ જવાબદાર છે. ગયા સપ્તાહે વિદેશી હૂંડિયામણ ગગડીને 3 અબજ ડોલરથી નીચે આવી ગયું હતું. આયાત માટે પૈસાના અભાવ વચ્ચે પોર્ટ પર ચા સહિત અન્ય સામાનોનો સ્ટોક અટકી પડ્યો છે.