વિદેશ મંત્રી એસ જયશંકર ઈઝરાયલના પ્રવાસે છે. અહીં તેમણે અમેરિકા, યુએઈ અને ઈઝરાયલના વિદેશ મંત્રીઓ સાથે મહત્વની બેઠક કરી. જેમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ભારત, ઈઝરાયેલ, યુએસ અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)એ આર્થિક સહયોગ વધારવા માટે આંતરરાષ્ટ્રીય મંચ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય વર્ચ્યુઅલ મીટિંગમાં લેવામાં આવ્યો હતો. જેમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર ઉપરાંત યુએસના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેન, યુએઈના વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન જાયદ અલ નાહ્યાન અને ઈઝરાયલના વિદેશ મંત્રી યાયર લેપિડ હતા. તમામ નેતાઓએ આગામી મહિનાઓમાં દુબઈમાં એક્સ્પો 2020 દરમિયાન મંત્રીઓની વ્યક્તિગત બેઠકનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ બેઠક દરમિયાન ચાર મંત્રીઓએ પરિવહન, ટેકનોલોજી, દરિયાઈ સુરક્ષા, અર્થશાસ્ત્ર અને વેપાર પર ચર્ચા કરી. વાટાઘાટોના અંતે નિર્ણય લેવામાં આવ્યો કે દરેક મંત્રી કાર્યકારી જૂથ માટે વરિષ્ઠ કક્ષાના વ્યાવસાયિકોની નિમણૂક કરશે. જે આ તમામ ક્ષેત્રોમાં સહકાર વધારવાના વિકલ્પો તૈયાર કરશે.