બંગાળે રણજી ટ્રોફી 2019-20ની સેમિફાઇનલમાં કર્ણાટકને કોલકાતામાં 174 રને હરાવી આખરે ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. બંગાળ ફાઇનલમાં 9 માર્ચે સૌરાષ્ટ્ર/ ગુજરાતના વિજેતા સામે ટકરાશે બંગાળ 2006-07ની સીઝન પછી પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યું છે. ત્યારે તે મુંબઈ સામે હારી ગયું હતું. બેટસમેન મનોજ તિવારીની નજર 1989 પછી પહેલીવાર બંગાળને ચેમ્પિયન બનાવવા પર રહેશે. કોલકત્તાની મેચમાં પ્રથમ બેટિંગ કરતા બંગાળે અનુસ્તૂપ મજુમદારના 157 રન સાથે 312 રન કર્યા હતા. કર્ણાટક માટે મોરે અને મિથુને 3-3 વિકેટ લીધી હતી. જવાબમાં કર્ણાટકની ટીમ 122 રનમાં ઓલઆઉટ થતા બંગાળને 190 રનની લીડ મળી હતી. તે પછી બંગાળે બીજા દાવમાં 161 રન કર્યા હતા અને મહેમાન ટીમને 352 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. રનચેઝમાં કર્ણાટક 177 રનમાં તંબુભેગું થયું હતું. બંગાળ માટે પ્રથમ દાવમાં ઈશાન પોરેલે 5 અને બીજા દાવમાં મુકેશ કુમારે 6 વિકેટ લીધી હતી. મેચમાં 190 રન કરનાર મજુમદાર મેન ઓફ ધ મેચ બન્યો હતો. કર્ણાટકના સ્ટાર બેટ્સમેન લોકેશ રાહુલ, મનીષ પાંડે અને કરુણ નાયર બેટ વડે નિષ્ફ્ળ રહ્યા હતા. રાહુલે 26 અને 0, પાંડેએ 12 અને 12, જ્યારે નાયરે 3 અને 6 રન કર્યા હતા.