હાલમાં દુનિયાના તમામ 195 દેશ કોરોનાની ચપેટમાં છે. શનિવારે મોડી રાત સુધીમાં 6,53,907 લોકો સંક્રમિતનાં શિકાર છે. જેમાં 28377 લોકો મોતને ભેટ્યાં છે. ઇટાલીમાં શનિવારે રાતે કુલ મોતનો આંકડો 10 હજારને પાર અને સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 832 લોકોએ શ્વાસ છોડ્યાં છે. એકલા સ્પેનમાં અત્યાર સુધીમાં 5690ના મોત નીપજયા છે. ચીનમાં હાલમાં 3295 લોકોનાં મોત થયા છે. સ્પેનમાં સરકારે મહામારી સામે લડવા સેના તૈનાત કરી છે. બ્રિટનમાં મોતનો આંકડો શનિવારે 1,019 પહોંચી ગયો છે. જ્યાં કુલ 17,089 કેસ સામે આવી ચૂક્યાં છે. વિશ્વમાં કોરોના વાઇરસને લઇને સૌથી વધારે મોત ઇટાલીમાં જ થઈ છે. શનિવારે રાતે આ આંકડો 10,023 થઈ ગયો છે. શનિવારે 889 પોઝિટિવ લોકોએ અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન 3,651 કેસ સામે આવ્યાં છે. કુલ સંક્રમિતોનો આંકડો 70,065 પર પહોંચ્યો છે.
અમેરિકાએ કોરોના વાઈરસ પ્રભાવિત દેશોને આ મહામારી સામે લડવા માટે 174 મિલિયન ડોલરની સહાય કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત ભારતને 2.9 મિલિયન ડોલર (21.7 કરોડ રૂપિયા)ની મદદ આપવામાં આવશે. બીજીતરફ ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં 16267 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો વિશ્વમાં થયેલા કુલ મોતના 60 % છે.