ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોએ ત્રિમાસિક પરિણામોમાં જંગી ખોટ નોંધાવી હોવાની માહિતી આપી છે. એટલે કે કંપનીના નુકસાનમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. આ સાથે જ કંપનીએ જાહેરાત કરી છે કે કંપનીના પરિણામોમાં ખોટ વધવાને લીધે કંપનીએ દેશના 225 શહેરમાં પોતાની સર્વિસ બંધ કરી છે.
કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષના ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂપિયા 346.60 કરોડની ખોટ નોંધાવી છે.
કંપનીએ પોતાના ત્રીજા ત્રિમાસિક અહેવાલમાં કહ્યું છે કે માંગમાં જે ઘટાડો થયો છે, તે અમારી અપેક્ષા કરતા ઘણી હતી, જે ફૂડ ડિલીવરી પ્રોફિટને અસર કરી રહી છે. અલબત અમે અમારા નફાના ટાર્ગેટને પૂરો કરવા માટે સારી સ્થિતિમાં છીએ.
225 શહેરોમાં સર્વિસ બંધ કરી
અત્રે ઉલ્લેખનીય છે કે ઝોમેટો ભારતમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતી ફૂડ ડિલીવરી એપ પૈકી એક છે અને તાજેતરમાં જ નફો વધારવાના પ્રયત્નના ભાગરૂપે તેણે પોતાના ગોલ્ડ સબ્સ્ક્રીપ્શનને ફરીથી લોંચ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે કંપનીએ 225 નાના શહેરોમાંથી હટવાનો નિર્ણય એવા સમયમાં લેવામાં આવ્યો છે કે જ્યારે આશરે 800 લોકોની ભરતી કરવાની યોજના બનાવી છે.
કયા શહેરોમાં સર્વિસ બંધ કરી તે અંગે માહિતી ન આપી
કંપનીએ તેની વાર્ષિક આવકને લગતા અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે કે ઝોમેટોએ જાન્યુઆરી મહિનામાં 225 નાના શહેરોમાં કામ બંધ કર્યું છે. આ પગલા અંગે કંપનીએ કહ્યું કે છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં આ શહેરોમાં પર્ફોમન્સ એટલું સારું ન હતું. અને અમને લાગતુ ન હતું કે આ શહેરોમાં અમારું રોકાણ ખાસ કામ આવશે. જોકે, હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે પગલાથી કયા શહેરોને અસર થઈ છે.
કંપનીએ પોતાના નફાને વધારવા માટે કરવામાં આવી રહેલા પ્રયત્નો અંગે પણ વાત કરી હતી. આ સ્થિતિમાં ભારતમાં ગોલ્ડ સબ્સ્ક્રીપ્શનને ફરીથી લોંચ કરવામાં આવ્યું છે. આ અંગે વાત કરતા કંપનીએ કહ્યું કે અમે જાન્યુઆરીના અંતમાં એક નવા મેમ્બરશિપ પ્રોગ્રામ, ઝોમેટો ગોલ્ડ લોંચ કર્યું હતું. અમને આશા છે કે આ પગલાને લીધે નફો મળશે.