દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની ટેસ્લાએ બેંગલુરુમાં ભારતીય સબસિડિયરી યુનિટ ખોલ્યું છે. ટેસ્લાએ ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ તેમજ ઈલેક્ટ્રિક વાહનોનો એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે અને આ સબસિડિયરી યુનિટ એનું પહેલું પગલું છે. ટેસ્લાના સીઈઓ અને દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિઓ પૈકીના એલન મસ્કે ગયા મહિને કહ્યું હતું કે અમારી કંપની આ વર્ષે ભારતમાં યુનિટ શરૂ કરશે. બાદમાં 21 જાન્યુઆરીએ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ પણ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ટેસ્લા 2021ની શરૂઆતમાં ભારતીય બજારમાં પ્રવેશ કરશે.ટેસ્લાના ગ્લોબલ સિનિયર ડિરેક્ટર ડેવિડ જોન ફિનસ્ટિન, ચીફ એકાઉન્ટિંગ ઓફિસર વૈભવ તનેજા અને બેંગલુરુના એક ઉદ્યોગસાહસિક વેંકટરંગમ શ્રીરામ ટેસ્લાના આ ભારતીય યુનિટના બોર્ડ મેમ્બર હશે. ટેસ્લાએ ભારતમાં પોતાની ઓફિસ ગયા અઠવાડિયે શરૂ કરી હતી, જેની માહિતી મંગળવારે ટેસ્લા ક્લબ ઈન્ડિયાના ટ્વિટર હેન્ડલ પર જાહેર કરાઈ હતી.