‘NBA’ના દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન્ટ અને તેમની દીકરી ગિયાનાનું કેલિફોર્નિયામાં એક હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે. બ્રાયન્ટ રવિવારે તેમના પ્રાઈવેટ હેલિકોપ્ટરથી મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે તેમની 13 વર્ષની દીકરી ગિયાના અને સપોર્ટ સ્ટાફના અન્ય 7 લોકો પણ હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે કૈલાબસાસમાં બ્રાયન્ટનું હેલિકોપ્ટર સંતુલન ગુમાવીને નીચે પડ્યું હતું અને બ્લાસ્ટ સાથે ટૂટી પડ્યું હતું. બ્રાયન્ટનો હાઈ-સ્કૂલ પછી તરત જ 1996માં NBA ડ્રાફ્ટમાં સમાવેશ થયો હતો.
તેઓ કેરિયરના 20 વર્ષ લોસ એન્જલસ લેકર્સ ટીમ સાથે જોડાયેલા હતા. 20માંથી 18 સીઝનમાં તેઓ ઓલસ્ટાર સાબિત થયા હતા. તેમણે પાંચ વખત ટીમને ચેમ્પિયન બનાવી હતી. કોબીના મોતના પગલે બોલીવુડની અનેક હસ્તીઓેએ પણ દુખ વ્યક્ત કર્યું છે. બ્રાયન્ટને 2007-08ની સીઝનમાં NBAના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર નો એવોર્ડ મળ્યો હતો. તેમજ NBA 2009 અને 2010ની ફાઇનલ્સમાં પણ MVP તરીકે તેમની પસંદગી થઇ હતી. 2008માં બેઇજિંગ ઓલિમ્પિક અને 2012 લંડન ઓલિમ્પિકમાં તેમણે અમેરિકાને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો.