અમરેલી જિલ્લાના રાજુલા પાસે સોમનાથ નેશનલ હાઈવે પર નિર્માણાધિન બ્રિજનો કોલમ તૂટવાની ઘટના સામે આવી છે. અમરેલી-ભાવનગ રોડ પર આવેલા રાજુલાના દાતરડી નજીક નદી પર બની રહેલો બ્રિજ સંપૂર્ણ બને તે પહેલાજ એકબાજુનો ભાગ ધરાશાયી થયો હતો.જેના પગલે નબળા બાંધકામની પોલ ખૂલી પડી હતી. આ વીડિયો ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.
સોમનાથ નેશનલ હાઈવે બ્રિજ તૂટવાની ઘટના સામે આવેતા તંત્ર હરકતમાં આવ્યું છે અને બ્રિજનું કામ નવા ગ્રુપને સોંપવામાં આવ્યું છે. જોકે સ્થાનિકો દ્વારા એવી માગ ઉઠી છેકે બ્રિજનો કોલમ તૂટવા મામલે કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવામાં આવે. હાલ તૂટેલા કોલમ હટાવી અને બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી જણાવ્યું હતું કે બ્રિજ ધરાશાયી નથી થયો પરંતુ સ્લેબમાં કામગીરી દરમિયાન મશીન અડી જવાના કારણે સ્લેબ તૂટી પડ્યો હોવાની ઘટના બની છે. જોકે મહત્વનો પ્રશ્ન એ છેકે સામાન્ય મશીન અડવાના કારણે કોલમ તૂટી જતો હોય તો બ્રિજ બન્યા બાદ આ બ્રિજ કેટલો સમય સુધી ટકશે તેવી ચર્ચા સ્થાનિકોમાં થઇ રહી છે.