કોરોના સંક્રમણ વચ્ચે દેશમાં હવામાન પણ કરવટ બદલી રહ્યુ છે. દેશના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ગુરુવારે રાતે પડેલા ભારે વરસાદ અને બરફના કારણે વ્યાપક નુકસાન થયુ છે. મનાલીમાં છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ તુટયો છે . એપ્રિલ મહિનામાં બરફ પડ્યો છે. આવુ છેલ્લે 1996માં થયુ હતુ.કુલ્લુ ખીણમાં પણ બરફવર્ષાના કારણે જન જીવન પર તેની વ્યાપક અસર પડી છે. રોહતાંગને જોડતી અટલ ટનલ રોહતાંગ હાઈવે પર પડેલા ભારે બરફના કારણે હાલમાં બંધ કરાઈ છે . રોહતાંગમાં 140, બારાલાચામાં 160, કુંજુમ દર્રામાં 100 સેન્ટીમેટર બરફ પડ્યો છે અને તેના કારણે આ વિસ્તારમા હાઈવે મેન્ટેઈન કરવાનુ કામ કરનાર સેનાના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની ચિંતા વધી ગઈ છે. લાહોલ અને કુલ્લુ વેલીમાં 100 થી વધારે રસ્તા પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. રાજધાની સિમલામાં એક જુની બહુમાળી ઈમારત ધરાશયી થઈ છે. જોકે અહીં રહેનારા લોકોને પહેલા જ સલામત સ્થળે ખસેડી લેવાયા હોવાથી જાન માલનુ નુકસાન થયુ નથી.