દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં હવે અવળી ગંગા શરુ થઈ છે. સામાન્ય રીતે પેટ્રોલ ડિઝલના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે યુધ્ધની સ્થિતિમાં વધતા હોય છે પણ હવે ભાવો ઘટી રહ્યાં છે. છેલ્લા આઠ માસમાં પ્રથમ વખત પેટ્રોલના ભાવ 71 રૂપિયાના નીચે જતા વાહનચાલકોએ મોટી રાહત અનુભવી છે હજુ પણ આ ભાવો ઘટે તેેવી શકયતા છે. સઉદી અરેબિયા અને રશિયા વચ્ચે શરૂ થયેલા ઓઇલના વેપાર યુદ્ધથી ભારતને ફાયદો થવાની સંભાવના જોવાઈ રહી છે. રશિયા અને સઉદી અરેબિયા વચ્ચે શરૂ થયેલા વેપાર યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં 31 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ભારત પોતાની જરૂરિયાતના 84 ટકા ક્રૂડ ઓઇલની અન્ય દેશોમાંથી આયાત કરે છે. જેના કારણે સરકારના આયાત બિલમાં મોટો ઘટાડો જોવા મળશે. બજારમાં ક્રૂડના ભાવ ઘટવાને કારણે 11 વર્ષની નીચલી સપાટીએ પહોંચી ગયેલા દેશના આર્થિક વિકાસની વૃદ્ધિમાં પણ મદદ મળવાની શકયતા જોવાઈ રહી છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ઘટીને 70.59 રૂપિયા થઇ ગયો છે. જે જુલાઇ, 2019 પછીનો સૌથી ઓછો છે. જ્યારે એક લિટર ડીઝલનો ભાવ ઘટીને 63.26 રૂપિયા થઇ ગયો છે. ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ 67 રુપિયાની આસપાસ પહોચી ગયા છે જે પહેલા 71 રુપિયાની આસપાસ હતાં.
આંતરરાષ્ટ્રીય બજારના વલણને પગલે 27 ફેબુ્રઆરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ઘટી રહ્યાં છે. 27 ફેબુ્રઆરીથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 1.42 રૂપિયા અને ડીઝલના ભાવમાં 1.44 રૂપિયાનો ઘટાડો થયો છે.