‘લગાન’ અભિનેતા જાવેદ ખાન અમરોહીનું નિધન

બોલિવૂડ એક્ટર જાવેદ ખાન અમરોહીનું નિધન થઇ ગયું છે. જાવેદ ખાન અમરોહી એક પ્રખ્યાત ફિલ્મ અને ટીવી અભિનેતા હતા. તેમણે લગભગ 150 ફિલ્મોમાં કામ કર્યું હતું તેમજ તેમણે ટીવીની દુનિયામાં પણ અલગ-અલગ પાત્રો ભજવીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. તેઓ લાંબા સમયથી શ્વાસની બિમારીથી પીડાતા હતા. તેઓ સારવાર માટે સાંતાક્રુઝના સૂર્યા નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બંને ફેફસા ફેલ થઈ જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું.

જાવેદ ખાન અમરોહીને વર્ષ 2001માં આવેલી ફિલ્મ ‘લગાન’માં બેસ્ટ સપોર્ટિંગ રોલ માટે એકેડેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ સિવાય ‘અંદાઝ અપના અપના’ અને ‘ચક દે ઈન્ડિયા’માં પણ તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. અભિનેતાના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.

જાવેદ ખાન અમરોહી નુક્કડ જેવી સિરિયલ માટે પણ જાણીતો છે. નુક્કડની સફળતા બાદ તેને ગુલઝારની મિર્ઝા ગાલિબમાં ફકીરની ભૂમિકા ભજવવાની તક મળી હતી. તે રાજ કપૂરની ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘વો સાત દિન’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘નખુદા’, ‘પ્રેમરોગ’ વગેરેમાં નાની ભૂમિકાઓમાં પણ જોવા મળ્યો હતો. તેમણે અનિલ કપૂર, રાજેશ ખન્ના, ઋષિ કપૂર, આમિર ખાન, ગોવિંદા, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન વગેરે સાથે કામ કર્યું છે અને ઘણી સફળ ફિલ્મો આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *