ભારતીય મૂળની રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ મંગળવારે જાહેરાત કરતાં જણાવ્યું કે તેઓ અમેરિકામાં 2024માં થનારી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી લડશે. આ માટે તેમણે પોતાની દાવેદારી રજૂ કરી છે. હેલી દક્ષિણ કેરોલાઈનના પૂર્વ ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત રહ્યાં છે.
2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની જાહેરાત બાદ નિક્કી હેલી રિપબ્લિકન માટે નોમિનેટ માટે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પહેલો મોટો પડકાર બની ગઈ છે. જ્યારે તેમણે બે વર્ષ પહેલા કહ્યું હતું કે તે 2024માં વ્હાઈટ હાઉસ માટે પોતાના પૂર્વ બોસ એટલે કે ટ્રમ્પને પડકાર નહીં આપે.
આ ન્યૂ જનરેશનનો સમય છે
ભારતીય મૂળની રિપબ્લિકન નેતા નિક્કી હેલીને સંયુક્ત રાજ્ય અમેરિકામાં 2024માં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાની દાવેદારી રજૂ કર્યા બાદ તે સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પડકાર ઊભો કરશે. તેમણે એક વીડિયોથી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાની દાવેદારી રજૂ કરી.
બે વર્ષ પહેલા તેઓ ટ્રમ્પ માટે પડકારરુપ ન હતાં, પરંતુ હવે તેમણે પોતાનું મન બદલાવી નાખ્યું છે. હકિકતમાં ભારતીય મૂળની અમેરિકન રિપબ્લિકન પાર્ટીની નેતા નિક્કી હેલીએ જો બાઇડન વિરૂદ્ધ યુએસના રાષ્ટ્રપતિ ચૂંટણી 2024 લડવાના સંકેત ગત મહિને જ આપી દીધાં હતાં. તેમના માતા-પિતા ભારતના અમૃતસરના છે.
ફોક્સ ન્યૂઝના ઈન્ટરવ્યૂમાં જાન્યુઆરીમાં અમેરિકન રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ 2024ની અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે- આ ન્યૂ જનરેશનનો સમય છે, આ નવી લીડરશિપનો સમય છે, અને આ આપણાં દેશને પરત લાવવાનો સમય છે. અમેરિકા લડાઈ માટે તૈયાર છે અને આપણે બધાં હજુ શરૂઆત કરી રહ્યાં છીએ.
નિક્કીએ એપ્રિલ 2021માં કહ્યું હતું કે તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના 2024ના વ્હાઈટ હાઉસની ચૂંટણીની દોડમાં હોવાને કારણે તેઓ મેદાનમાં નહીં ઉતરે, પરંતુ જાન્યુઆરીમાં તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રિપબ્લિકન પાર્ટીને પણ યંગ લીડરશિપની જરૂર છે.
જો બાઇડન બીજા કાર્યકાળના હકદાર નથી: નિક્કી હેલી
રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ કહ્યું હતું કે- જો બાઇડન બીજા કાર્યકાળના હકદાર નથી. તેમણે કહ્યું હતું કે રિપબ્લિકને સરકારમાં પરત લાવવાની જરૂર છે, જે લીડરશિપ કરી શકે છે અને ચૂંટણી જીતી શકે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 5 નવેમ્બર, 2024નાં રોજ યોજાશે. આ ઈન્ટરવ્યૂમાં તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ અનુભવે છે કે આ દેશને નવી દિશા તરફ લઈ જતાં નેતા તરીકે સામે આવી શકે છે.