લોકેશ રાહુલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરૂઆતની બે મેચમાં સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો છે. તેણે ત્રણ ઇનિંગ્સમાં નિરાશ કર્યા છે અને હવે ટીમમાં તેના સ્થાનને લઈને સવાલો ઉઠી રહ્યા છે. વેંકટેશ પ્રસાદ સહિત ઘણા દિગ્ગજોએ રાહુલની જગ્યાએ શુભમન ગિલને તક આપવાની વાત કરી છે, કારણ કે ગિલ શાનદાર ફોર્મમાં છે. ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે, હોમ સિરીઝમાં વાઇસ-કેપ્ટનની પસંદગી ટીમ સિલેક્શનને મુશ્કેલ બનાવે છે. શાસ્ત્રીએ એ પણ સંકેત આપ્યો કે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બાકીની બે ટેસ્ટમાં કેએલ રાહુલની જગ્યાએ શુભમન ગિલને તક આપવી જોઈએ.
ભારતનો વાઇસ કેપ્ટન રાહુલ લાંબા સમયથી મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. ઓપનરે તેની છેલ્લી સાત ઇનિંગ્સમાં 22, 23, 10, 2, 20, 17 અને 1 રન બનાવ્યા છે. તમામ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન છતાં શુભમન ગિલ બેન્ચ પર રાહ જોઈ રહ્યા છે અને રાહુલ પર દબાણ વધી રહ્યું છે.
શાસ્ત્રીએ ICC રિવ્યૂ પોડકાસ્ટમાં કહ્યું, “ટીમ મેનેજમેન્ટ તેના ફોર્મને જાણે છે, તેઓ તેની માનસિક સ્થિતિને જાણે છે. તેઓ જાણે છે કે તેઓએ ગિલ જેવા વ્યક્તિને કેવી રીતે જોવો જોઈએ. મારુ હંમેશાથી માનવું છે કે, ભારત માટે વાઇસ-કેપ્ટન નિયુક્ત કરવાની જરૂર નથી. હું તેની જગ્યાએ બેસ્ટ પ્લેઈંગ-11 પસંદ કરીશ અને જો કપ્તાને પ્લેઈંગ-11 છોડવી પડે તો તમે એવા ખેલાડી પર ધ્યાન કેન્દ્રિત કરશો જે ટીમની કમાન સંભાળી શકે.”
રાહુલને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ બે ટેસ્ટ માટે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે, તે બાકીની બે મેચ માટે વાઇસ કેપ્ટન રહેશે નહીં. આવી સ્થિતિમાં તે ટીમની બહાર થઈ શકે છે. શાસ્ત્રીએ કહ્યું, “જો વાઇસ-કેપ્ટન પરફોર્મ ન કરે તો કોઈ તેની જગ્યાએ લઈ શકે છે. હું ક્રૂર વર્તન કરી રહ્યો છું, મને ઘરની પરિસ્થિતિમાં વાઇસ-કેપ્ટન પસંદ નથી. વિદેશી ધરતી પર તે અલગ વાત છે. અહીં, તમે ટોચના ફોર્મમાં રહેવા માગો છો, તમારે ગિલ જેવો કોઈક જોઈએ છે, જે લયમાં છે. તે પડકાર આપશે. હવે, તે વાઇસ-કેપ્ટન નથી તેથી તે ટીમની બહાર જઈ શકે છે, તે ટીમ મેનેજમેન્ટનો નિર્ણય હશે.”
શાસ્ત્રીએ કહ્યું, “તેણે ફોર્મ, તેની માનસિક સ્થિતિ જોવી પડશે. તે એક જબરદસ્ત ખેલાડી છે, પરંતુ પ્રતિભા માત્ર એટલી જ છે. તમારે તેને પરિણામોમાં રૂપાંતરિત કરવી પડશે અને સાતત્યપૂર્ણ બનવું પડશે. ઘણી બધી પ્રતિભા દરવાજો ખખડાવી રહી છે.” તે માત્ર રાહુલ જ નથી, મિડલ ઓર્ડર અને બોલિંગ લાઇનઅપમાં…, ઘણા બધા વિભાગો છે. કેટલીકવાર એવી પરિસ્થિતિઓમાં ખેલાડી માટે બ્રેક વધુ સારો હોય છે કારણ કે તે તેની રમત પર કામ કરી શકે છે અને મજબૂત રીતે વાપસી કરી શકે છે. મારા કાર્યકાળમાં, પૂજારાને પડતો મૂકવામાં આવ્યો હતો. તેણે જોરદાર વાપસી કરી. રાહુલને હટાવવામાં આવ્યો હતો, તેણે પણ શાનદાર કમબેક કર્યું હતું. તમે T20ના ફોર્મને આધારે ટેસ્ટની પસંદગી ન કરી શકો.