રાજ્ય સરકારે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં 11 ટાઉન પ્લાનિંગ સ્કીમોને આપી મંજૂરી

શહેરી વિસ્તારોમાં આંતર માળખાકીય સવલતોના વિકાસની સાથે શહેરીજનોના જીવન ધોરણમાં સુધારો લાવી શકાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ, ભાવનગર અને સુરતની કુલ 11 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપી છે. આ કુલ 11 સ્કીમોમાં અમદાવાદની નવ, ભાવનગર તથા સુરતની અનુક્રમે એક-એક સ્કીમનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં જે નવ TP સ્કીમોને મંજૂરી આપી છે તેને પગલે શહેરમાં 26.60 હેક્ટર જમીન આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઈડબ્લ્યુએસ આવાસના નિર્માણ માટે મળી જશે. આ રીતે શહેરમાં 23,733 રહેઠાણોનું નિર્માણ કરી શકાશે. આ સાથે રૂપાવટી-વસોદરામાં 10.36 હેક્ટર જમીન 9300 રહેઠાણો બનાવવા માટે ઉપલબ્ધ બનશે.

અમદાવાદમાં બે ડ્રાફ્ટ T.P. તથા 7 પ્રિલિમરી સ્કીમ સાથે કુલ 9 ટીપી સ્કીમમાં બગીચાઓ, રમત-ગમતના મેદાનો તેમ જ ખુલ્લી જગ્યામાં 25.05 હેક્ટર તથા જાહેર સુવિધા માટે કુલ 20.73 હેક્ટર જમીન ઉપલબ્ધ બનશે.

સુરતની પ્રિલિમરી T.P-57 પાંડેસરાએ આપેલી મંજૂરીને લીધે EWS આવાસ, જાહેર સુવિધા તથા રમત-ગમતના મેદાન, બાગ-બગીચા તથા આંતરમાળખાકીય સુવિધાને લગતા ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે કુલ 3.48 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે. સુરતમાં 0.63 હેક્ટર અંગે 567 આવાસનું નિર્માણ થશે.

ભાવનગરના વિસ્તાર વિકાસ સત્તા મંડળના ડ્રાફ્ટની ટીપી સ્કીમ-32 શામપરા-સીદસર પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. ભાવનગરમાં આ સ્કીમ મંજૂર થવાને લીધે 3.74 હેક્ટર્સ વિસ્તારમાં 3300 ઈડબ્લ્યુએસ મકાનો બની જશે. આ ઉપરાંત આંતરમાળખાકીય સવલતો પાછળ વિકાસ ખર્ચને પહોંચી વળવા આશરે 4.54 હેક્ટર્સ જમીન સહિત 16.92 હેક્ટર્સ જમીન હસ્તગત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *