સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દોતડ ગામે સાસરીમાં આવેલાં યુવક ગુમ થવાના કેસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સાસરીમાં આવ્યા બાદ ગુમ યુવક કિકા ખૈરનો મૃતદેહ ઘરમાંથી દાટી દેવાયેલી હાલતમાં મળ્યો છે. કિકા ખૈર રાજસ્થાનના ધધમતા ગામે રહેતો હતો અને તેના લગ્ન સાબરકાંઠા જીલ્લામાં આવેલા દોતડ ગામે થયાં હતા. કિકા ખૈર પત્નીને મળવા દોતડ આવ્યાં બાદ ગુમ થઈ જતા પોલીસને જાણ કરી હતી અને પોલીસે તપાસ શરુ કરતા તેની હત્યા કરી દેવાઈ હોવાનું ખુલ્યું છે. પોલીસે સાસરિયાપક્ષના લોકોની પુછપરછ કરતાં અનેક વિરોધાભાસી નિવેદનો જાણવા મળ્યાં હતા અને ઘરની તપાસ કરતાં રસોડામાં તાજુ લીંપણ કરાયાનું જણાયું હતું જેનુ ખોદકામ કરતા અંદરથી જ કિકા ખૈરની લાશ મળી આવી હતી. જો કે હત્યા કોણે કરી તે હજુ સુધી તપાસમાં ખુલ્યુ નથી હાલમાં પોશીના પોલીસે હત્યારાઓની શોધખોળ શરુ કરી છે.