સુરત શહેરમાં કોરોનાના કહેર વચ્ચે કુલ 7903 વ્યક્તિઓ સાજા થઇ ગયા છે. આ દર્દીઓમાંથી 162 દર્દીઓને પ્લાઝમાથી ઘણો ફાયદો થયો છે. જેને લઈને હવે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ પ્લાઝમાં આપવા માટે આગળ આવે તેવી અપીલ કરી છે. એકવાર પ્લાઝમા આપ્યા બાદ 48 કલાક પછી પાછા આપી શકાય છે. મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સુરતમાં હાલમાં પ્લાઝમાથી 162 દર્દીઓને ફાયદો થયો છે. આથી ઘણા બધા દર્દીઓનું જીવન બચી શકે તેમ હોવાથી નવી સિવિલ અને સ્મીમેરમાં જઇને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ કરી છે. સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 11969 કેસોમાંથી 7903 દર્દીઓ સાજા થઇ ગયા છે. જે દર્દીઓ સાજા થયા છે તેઓ 28 દિવસ પછી પ્લાઝમા આપી શકે છે. આ પ્લાઝમા 18 વર્ષથી લઇને 62 વર્ષના કોઇ પણ સ્ત્રી કે પુરુષ આપી શકે છે. તેમનું 50 કિલોથી વજન વધુ હોવું જોઇએ. સાથે જ અગાઉ કોઇ બિમારી નહીં હોય અને સાજા થયાના 28 દિવસ પછી બે રિપોર્ટ નેગેટીવ આવે તો બીજા દર્દીને પ્લાઝમા આપી શકે છે.