સુરત રેમડેસિવિર કૌભાંડ:નકલી ઇન્જેક્શન વેચનારા ત્રણને કોરોના

ગુજરાતમાં હજુ પણ વધતા જતા કોરોનાના કેસનો ફાયદો ઉઠાવવા મેડીકલ માફિયાઓ સક્રિય છે તેની સામે ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો વોચ રાખીને આવા કાળા બજારી કરતા શખ્સોને ઝડપી પણ રહી છે. હાલમાં સુરતના ઓલપાડના પિંજરતમાં ફાર્મ હાઉસ ભાડે રાખી નકલી ઇન્જેક્શનના કૌભાંડમાં ઝડપાયેલા રાહુલ લુહાણા, સંજય પટેલ અને મહમંદ આસીમ નામના આરોપીને કોરોના થયો છે. બીજી તરફ ફરાર થઈ ગયેલા માસ્ટર માઈન્ડ વિવેક મહેશ્વરી પણ હાથ વેતમાં છે. ઠાણે ખાતેથી પોલીસે ધિરજ કુશવાહની પૂછપરછ કરી હતી. આઠ આરોપીના 16 તારીખ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યા હતા. હાલની તપાસમાં સુરતના અડાજણ ખાતે રહેતા કૌશલ વોરાએ ઇન્દોરમાં પણ ઇન્જેક્શન વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. જેના આધારે મોરબી પોલીસની ટીમ તપાસ માટે ઇન્દોરમાં છે .કૌશલે સુરતમાં પણ જયરાજસિંહ નામના આધેડને ઇન્જેક્શન આપ્યા હતા જેની સામે ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં ભેસ્તાનની સાંઈદીપ હોસ્પિટલમાં દર્દીના નામે 25થી વધુ રેમડેસિવિર ઇન્જેકશનો મોટી કિંમતમાં વેચાણ કર્યા હોવાની પોલીસને આશંકા છે. હાલમાં ત્રણેય આરોપીઓ લાજપોર જેલમાં છે. ત્રણેય આરોપીઓની વિશેષ પૂછપરછ કરવાની હોવાથી ખટોદરા પોલીસે 7 દિવસની કસ્ટડી મેળવવા કોર્ટમાંથી મંજૂરીની કાર્યવાહી શરૂ કરી છે. સાંઈદીપ હોસ્પિટલનું સંચાલન કરનાર સૈયદ અઝમત ઇન્જેકશનો લેવા માટે દર્દીના ડોક્યુમેન્ટ સહિતની કાર્યવાહી કરતો હતો. ખટોદરા પોલીસે ડમી ગ્રાહક બનીને આ ટોળકીના સૈયદ અઝમત અર્સનલ, સુભાષ શ્રીરામ સુમિરન યાદવ અને વિશાલ રાજુ ઉગલેને પકડી પાડયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *