પેપર લીક કરનારા આરોપીઓને વડોદરા કોર્ટમાં હાજર કરાયા, 14 દિવસના રિમાન્ડની માગણી કરાઈ

ગતરોજ રાજ્યભરમાં અંદાજે મળીને 9.53 લાખ ઉમેદવારોએ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા. પરંતુ આગલી રાત્રે જ વડોદરાના ખાનગી કોચિંગ સેન્ટરમાં પેપર ફુટતા ગુજરાત એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત ATSએ 15 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આજે વડોદરા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

પેપર ફુટ્યાની ઘટનાને 24 કલાક વિતતા પહેલા ગુજરાત એટીએસ દ્વારા સંડોવાયેલા 16 જેટલા લોકોની વડોદરા તથા અન્ય રાજ્યોમાંથી ધરપકડ કરી લીધી હતી. આજે તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વડોદરાની કોર્ટમાં લાવવામાં આવ્યા છે. અહિંયા ગુજરાત એટીએસ તમામના રિમાન્ડની માંગ કરી હતી. સરકારી વકીલ અનિલ દેસાઈ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાનું પેપર લીક થઈ જવાથી છેલ્લી ઘડીએ પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી હતી. જે બાદ ઉમેદવારો અને વિપક્ષી પાર્ટીઓ સરકાર પર માછલા ધોઈ રહી છે. આ સમગ્ર મામલે ગુજરાત ATSએ કાર્યવાહી કરીને આ મામલે 15 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 1 આરોપીને હૈદરાબાદથી ટ્રાન્સફર વોરન્ટના આધારે અમદાવાદ લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરી દીધી હતી અને ઉમેદવારોને પરત જવા માટે મફત એસટી બસની સેવા કરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *