દેશભરમાં કોરોનાનાં કેસ વધી રહયાછે આગામી દિવસોમાં પણ મોટુ સંકટ ઉભુ થવાનું છે ત્યારે વધુ વેકસિનનો જથ્થો ભારત આવે તેવા હાલ પ્રયાસો શરુ થયા છે. તેમાં એસ્ટ્રાઝેનેકાની રસી ભારતને મળે તેવા પ્રયાસો છે. હાલમાં અમેરિકાના પ્રમુખ જો બાઈડેન પર ભારતને મદદ કરવાનું દબાણ વધી રહ્યું છે. અમેરિકન સાંસદો, ભારતીય મૂળના અમેરિકન નાગરિકો પછી હવે યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સે જો બાઈડેેનને રજૂઆત કરી હતી કે ભારતને એસ્ટ્રાજેનેકા અને તે સિવાયની મેડિકલ સહાય કરવી જોઈએ. યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સના ઉપપ્રમુખ તેમ જ આંતરરાષ્ટ્રીય બાબતોની સમિતિના પ્રમુખ માયરોન બ્રિલિએન્ટે કહ્યું હતું કે અમેરિકા પાસે એસ્ટાજેનેકાના લાખો ડોઝ સ્ટોરમાં પડયા છે. અત્યારે અમેરિકામાં પર્યાપ્ત માત્રામાં વેક્સિન છે. સ્થાનિક ઉત્પાદકો જૂન સુધીમાં વેક્સિનનો મોટો જથ્થો ઉત્પાદિત કરી દેશે. એવી સ્થિતિમાં જરૂરિયાત મંદ દેશોને વેક્સિન આપવી જોઈએ. માયરોન બ્રિલિએન્ટે પ્રમુખ જો બાઈડેનને વિનંતી કરી હતી કે ભારત-બ્રાઝિલ સહિતના જે દેશોમાં કોરોનાના બીજા વેવથી હાહાકાર મચી ગયો છે ત્યાં વેક્સિન આપવી જોઈએ. તેનાથી અસંખ્ય લોકોનો જીવ બચી જશે. તે પહેલાં ઘણાં અમેરિકન સાંસદોએ પણ જો બાઈડેનને વિનંતી કરી હતી કે અમેરિકન સરકાર ભારતને તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડે. ભારતીય મૂળના પ્રભાવશાળી અમેરિકન નાગરિકોએ જો બાઈડેનને પોતાના મૂળ વતનને મદદ માટેની રજૂઆત કરી હતી. જો બાઈડેન પર ભારતને મદદ કરવાનું દબાણ વધી રહ્યું છે. . યુવાપેઢીના સ્વાસ્થ્ય માટે અને ભવિષ્ય માટે વિચારવાનો આ સમયગાળો છે. અમેરિકાના મેડિકલ ક્ષેત્રના એક્સપર્ટ્સ પણ એવી રજૂઆત કરી ચૂક્યા છે કે વેક્સિનના નિર્માણ માટે જે કાચા માલની જરૂર પડે છે તેના પર અત્યારે અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. એ પ્રતિબંધ હટાવી દેવો જોઈએ. તેનાથી ભારત જેવા જરૂરિયાત મંદ દેશોમાં વેક્સિનનું ઉત્પાદન વધશે. અમેરિકામાં એવો મત વ્યક્ત થઈ રહ્યો છે કે ભારત અમેરિકાનું આર્થિક અને ડિફેન્સ ક્ષેત્રનું મહત્વનું સાથીદાર છે. ભારતના આ કપરા કાળમાં અમેરિકાએ સાથ આપવો જોઈએ. અગાઉ અમેરિકન સરકારે એવું નિવેદન કર્યું હતું કે અમે ભારતને મદદ કરવા તત્પર છીએ, પરંતુ અમેરિકામાં કોરોનાની સ્થિતિ જોતાં મદદ કરી શકીએ તેમ નથી.