અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈના નામે ફોન કરીને 1.20 લાખ રુપિયાની છેતરપીડી કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિની અટકાયત પણ કરાઈ છે. શહેરના એસજી હાઇવે પર જમીન લે વેચ ની ઓફિસ ધરાવતા મુકેશભાઈ દેવડા નામના જમીન દલાલને ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે તેમના પિતાની મુંબઇમાં સારવાર માટે 1.20 લાખ રૂપિયાની જરૂર છે તો આંગડિયુ કરવું પડશે. જેથી તેઓ આંગડિયુ કરવાની ખાતરી આપી હતી. જોકે જમીન દલાલ થોડા સમય પહેલા એક મહિલા સહિત અનેક લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસની વાતચીત કરવા તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે પીઆઇ સાથે વાત થતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. થોડા દિવસ પહેલા મુકેશભાઈને એક નંબર પરથી તેમને ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે વસ્ત્રાપુર પીઆઇ જાડેજા બોલે છે અને તેમના પિતાને મુંબઈમાં બાયપાસની સર્જરી કરાવી હોવાથી સર્જરીનું બિલ 6.50 લાખ રૂપિયા થયું છે તેમાં 1.20 લાખ રૂપિયા ખુટે છે તો તે 1.20 લાખ પી.એમ આંગડિયા પેટે મુંબઇ મોકલી આપો. મુકેશભાઇ ઘરે હોવાથી તે ઓફિસ પહોંચીને નાણા મોકલશે તેવું કહ્યું હતું. આ ઘટના બાદ મુકેશભાઇએ ખોટી પાવર ઓફ એટર્ની કરી હોવાની એક મહિલા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી પકડ્યા હતા. મનીષા સોની સહિત આરોપીઓ પકડતા મુકેશભાઇ પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં તેઓની મુલાકાત પીઆઇ જાડેજા સાથે થતાં આ વાતચીત કરી હતી. ત્યારે તે નંબર પીઆઇનો ન હોવાનું માલુમ થતાં કોઇ શખ્સ પીઆઇના નામે રૂપિયા પડાવી ગયો હોવાનું સામે આવતા મુકેશભાઇએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.