આખરે કેન્દ્ર સરકારે બુધવારે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની રચના કરી દીધી છે. જેમાં 12 સભ્ય હશે. લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘મને આજે આ ગૃહને, દેશને જણાવતા ખુશી થઈ રહી છે કે આજે કેબિનેટની બેઠકમાં સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખતા ઘણા મહત્વના નિર્ણય લેવાયા છે. રામ મંદિર નિર્માણ માટે એક યોજના તૈયાર કરાઈ છે . સરકારે શ્રી રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ રચનાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ બનાવવા માટે કામ કરશે. અમે પાંચ એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને આપવાની અપીલ કરી હતી, જેને ઉત્તરપ્રદેશ સરકારે સ્વીકારી લીધી છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે અયોધ્યા કેસમાં આદેશ આપીને 3 માસની મુદત આપી હતી આ સમયગાળા દરમ્યાન મંદિર પહેલા ટ્રસ્ટની રચનાનો હુકમ કર્યો હતો. આ ટ્રસ્ટ હવે રામ મંદિરનું નિર્માણ કરશે. સુપ્રીમ કોર્ટે તેમના આદેશમાં મંદિર અંગે એક યોજના બનાવવાનો આદેશ પણ આપ્યો હતો.