૫૧ શક્તિપીઠમાંથી એક કુર્મપીઠ શ્રી ત્રિપુરસુંદરી દેવી

ત્રિપુરા રાજ્‍યમાં સ્‍થિત આગરતલા ગામથી ૨ કલાકના અંતર પર રહેલા ઉદયપૂર ગામમાં ત્રિપુરસુંદરી દેવીનું શક્તિપીઠ છે. ત્રિપુરસુંદરી દેવીનું મંદિર કાચબાના આકારની ટેકરી પર હોવાથી આ સ્‍થાનને ‘કૂર્મપીઠ’ પણ કહે છે. મંદિરમાં દેવીની બે મૂર્તિઓ છે. મોટી મૂર્તિ ત્રિપુરસુંદરી દેવીની અને નાની મૂર્તિ ‘છોટી માં’ દેવીની છે.

માન્‍યતા અનુસાર મહારાજ જ્ઞાન માણિક્યને ચટ્ટગ્રામ થી દેવીની મૂર્તિ ત્રિપુરા ખાતે લાવીને સ્‍થાપના કરવા વિશે સ્‍વપ્નદૃષ્‍ટાંત થયો હતો. મહારાજ જ્ઞાન માણિક્યએ વર્ષ ૧૫૦૧માં તે સમયે પરિચિત એવા ‘રંગમતી’ ઠેકાણે અર્થાત્ વર્તમાન ટેકડી પર ત્રિપુરસુંદરી દેવીની સ્‍થાપના કરી. ત્‍યાર પછી મહારાજ કલ્‍યાણ માણિક્યએ મંદિરના પરિસરમાં મોટું તળાવ ખોદાવ્‍યું જે ‘કલ્‍યાણ સાગર’ તરીકે ઓળખાય છે. તળાવનું ખોદકામ કરતી વેળાએ ‘છોટી માં’ દેવીની મૂર્તિની જડી. તેમની પણ મંદિરમાં સ્‍થાપના થઈ . મંદિરનો રોચક ઇતિહાસ છે. આ મંદિરના પૌરાણિક સંદર્ભ અનુસાર ત્રિપુરા એ મગધેશ્‍વરી રાજ્‍યની રાજધાની હતી. ‘શાક્ત’ ગ્રંથ અનુસાર સદર સ્‍થાન ‘શકિતપીઠ’ તરીકે પણ ઓળખાય છે.

કહેવાય છે આ જગ્યાએ ત્રિપુરસુંદરી દેવીએ ત્રિપુરાસુર નામક અસુરનો વધ કર્યો હતો. દક્ષ પ્રજાપતિનાં પુત્રી દેવી સતી પોતાના પિતાએ આયોજિત કરેલા યજ્ઞ કાર્યક્રમમાં પતિ શિવજીનું અપમાન સહન કરી શકતા નથી અને યજ્ઞવેદીમાં ઠેકડો મારીને દેવી સતી પોતાના જીવનને ટૂંકાવે છે. ભગવાન શિવજીને જેટલો ગુસ્‍સો પોતાના અપમાનથી થયો, તેનાં કરતાં વધારે દુઃખ સતીના મૃત્‍યુ પામવાથી થયું. આ દુર્ઘટનાથી ભગવાન શિવ અસ્‍વસ્‍થ થયા. તેમણે સતીના મૃત શરીરને ખભા પર લઈને પ્રલયંકારી તાંડવ નૃત્‍ય કરવાનો આરંભ કર્યો. તેથી સંપૂર્ણ જગત્ વિનાશના માર્ગ પર ક્રમણ કરવા લાગ્‍યું. આ સર્વ સ્‍થિતિ જોઈને સર્વ દેવતા શ્રીવિષ્‍ણુ પાસે પહોંચ્‍યા અને આ પ્રલય રોકવા માટે તેમની પાસે પ્રાર્થના કરી. દેવતાઓની વિનંતિ સાંભળીને ભગવાન વિષ્‍ણુએ સુદર્શનચક્રથી સતીના શરીરને ધીમે ધીમે ૫૧ ભાગમાં ખંડિત કર્યું. આ રીતે દેવી સતીના શરીરના ૫૧ ભાગ થયા. જે જે સ્‍થાન પર દેવીના શરીરનો અંશ પડતો ગયો, ત્‍યાં ત્‍યાં શક્તિપીઠની સ્‍થાપના થઈ. ત્રિપુરા ખાતે દેવીના પગનાં આંગળા પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *