હાલના કોરોના કેસ વધી રહ્યા છે અને લોકોને વધુમા વધુ કોરોનાની ગાઈડલાઈનનુ પાલન કરાવવા પોલીસને સુચના અપાઈ છે. તેને લઈને પોલીસે માસ્ક નહીં પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવા વાહન ચેકીંગ સઘન બનાવ્યું છે ત્યારે માસ્ક સિવાય વાહનોના દસ્તાવેજ ન હોય કે આરટીઓના અન્ય ગુનાઓનો દંડ નહીં વસૂલવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે બે જ દિવસમાં સરકારે આ નિર્ણય ફેરવી તોળીને વાહનના દસ્તાવેજો ન હોય તો 500થી 1000 રૂપિયાનો ઉચ્ચક દંડ વસૂલવા સૂચના આપી છે. હવે નવા નિયમ મુજબ માસ્ક નહીં હોય તો પણ દંડ થશે અને વાહનચાલક પાસે પૂરતા દસ્તાવેજ નહીં હોય તો પણ રૂ.500થી રૂ.1 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે. જોકે, વાહન જપ્ત નહીં કરવા જણાવ્યું છે. જેના બદલે દંડ વસૂલીને વાહનચાલકને જવા દેવાશે. સીએમ વિજય રૂપાણીએ શનિવારે નિર્ણય કર્યો છે કે માસ્કની અમલવારી માટે સઘન પોલીસ સર્વેલન્સ થઇ રહ્યું છે ત્યારે વાહચાલકોપાસે વાહનના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી. આવા સંજોગોમાં આરટીઓના નિયમ અનુસાર વાહનો જપ્ત કરવામાં આવે છે અને તેને છોડાવવાની પ્રક્રિયામાં લાંબો સમય જાય છે. જેથી દસ્તાવેજો ન હોય તેવા ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે 500 રૂ. અને ફોર વ્હીલર માટે 1000 રૂ.નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે. વાહનોના જરૂરી દસ્તાવેજો 15 દિવસમાં રજૂ કરી શકાશે. .